પેપર ખુલ્લા હતા હાથમાં લઈને ફરતા હતા, કૃષિ યુનિવર્સિટી જુનિયર કલાર્કની પરીક્ષામાં વિવાદ

રાજ્યની કૃષિ યુનિવર્સિટી માટે લેવાતી જુનિયર કલાર્કની પરીક્ષામાં અમદાવાદ સ્થિત પરીક્ષા સેન્ટર ખાતે હોબાળો થયો હતો. ઉમેદવારોનો આક્ષેપ છે કે સ્કૂલ તરફથી પૂરતી બેઠક વ્યવસ્થા કરવામાં આવી નહોતી. અનેક વિદ્યાર્થીઓને યોગ્ય જગ્યાએ બેસાડવામાં વિલંબ થતા પરીક્ષા સમય બગડ્યો હતો.

રાજ્ય કૃષિ યુનિવર્સિટીની જુનિયર કલાર્ક ગ્રેડ-3 ભરતી પરીક્ષા માટે અમદાવાદ સહિત રાજ્યભરમાં વિવિધ સેન્ટરો પર ઉમેદવારો હાજર થયા હતા. પરંતુ શહેરના ઇસનપુરમાં આવેલી લિટલ બડ્સ સ્કૂલ ખાતે પરીક્ષા શરૂ થતા પહેલા જ હંગામો થયો હતો. પરીક્ષાનો સમય શરૂ થઈ ગયો હોવા છતાં ઉમેદવારોને OMR શીટ આપવામાં આવી નહોતી. આ પરિસ્થિતિએ પરીક્ષા આપવા આવેલા અનેક ઉમેદવારોમાં નારાજગી ફાટી નીકળી અને તેઓએ સ્કૂલ પ્રબંધન સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ઉમેદવારોનો આક્ષેપ છે કે સ્કૂલ તરફથી પૂરતી બેઠક વ્યવસ્થા કરવામાં આવી નહોતી. અનેક વિદ્યાર્થીઓને યોગ્ય જગ્યાએ બેસાડવામાં વિલંબ થતા પરીક્ષા સમય બગડ્યો હતો. જો કે બાદમાં ઇસનપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.

પરીક્ષા કેન્દ્ર પર અચાનક થયેલા આ હોબાળાને કારણે વાતાવરણ તંગ બન્યું હતું. સુરક્ષા અને પરીક્ષા વ્યવસ્થાપકોને પરિસ્થિતિ શાંત પાડવી પડી હતી. ઉમેદવારોનું કહેવું છે કે આ પ્રકારની બેદરકારી તેમના ભવિષ્ય સાથે છેતરપિંડી સમાન છે અને આવા સેન્ટરો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. સરકારી ભરતી પરીક્ષાઓમાં આવી ગડબડ નવો મુદ્દો નથી, પરંતુ દર વખતે ઉમેદવારોને જ તેનો ભોગ બનવો પડે છે.

Leave a Comment